હવાને હવાલે
(ગીત)
હવે નાવ છોડી હવાને હવાલે,
હવાની હો મરજી તો એને સમાલે.
અહીં માનવીનું ન કાંઈ જ ચાલે,
કુદરતની લીલા બધું યે સમાલે;
થાપે ઉથાપે પછાડે ને ઝાલે,
ન સમજાય પણ થાય એની કમાલે.
હવે મન સદા ખુશ રહે સર્વ હાલે…. હવે નાવ.
હવાની હથેલીમાં બાંધી હવેલી,
રહું સર્વ ચિંતાઓ દૂર ધકેલી;
મળે સ્વપ્નમાં યે સુગંધી ચમેલી,
અને ખાલી પ્યાલી યે લાગે ભરેલી.
વસે વ્યોમમાં મન રહે ના દીવાલે…. હવે નાવ.
હવા તો છે હાથો પ્રભુના જ જાણે,
ફેલાવી સહુને જીવાડે છે જાણે;
રહી સાચ સંગે, પ્રભુસંગ માણે,
ધરા પર ચરણ ને નજર આસમાને,
ખુશકિસ્મતી છે ડૂબો રંગ પ્યાલા…. હવે નાવ.