તરવરે

જે ગંગા પ્રવાહો વહે ભીતરે,

કહો કેમ એને કલમ ચીતરે ?

ઝિલાય કેવી રીતે કેટલું ?

અહીં તો અનર્ગલ અમી નીતરે !

પીછો કરે ના કદી પાનખર,

અહીં તો વસંતો સદા પાંગરે;

ચૈતન્યના માનસરમાં અહીં

આનંદના રાજહંસો તરે !

રહે બન્ધ આંખો છતાં ઝળહળે,

ન દેખાય બહાર,મહીં વિસ્તરે;

ન ભેદો રહે દેશ કે કાળના,

બધું એક થઈને હવે તરવરે !